Dwarka Nageshwar Road Condition: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ પવિત્ર યાત્રાધામ દ્વારકાથી વિશ્વ પ્રસિદ્ધ નાગેશ્વર જયોતિર્લિંગ જતો આશરે ૧૬ કિલોમીટર લાંબો માર્ગ હાલત અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ઊંડા ખાડા-ખાળી, ડામરનું ધોવાણ અને ધૂળિયા માર્ગને કારણે વાહનચાલકો તેમજ પ્રતિ વર્ષ આવતા લાખો યાત્રાળુઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
નાગેશ્વર જતા યાત્રાળુઓ થાક અને જોખમથી પરેશાન
દર વર્ષે લાખો તીર્થયાત્રી દ્વારકા અને નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા આવે છે. જેમાં મોટી સંખ્યામાં વૃદ્ધ અને મહિલા યાત્રિકોનો સમાવેશ થાય છે. માર્ગની ખરાબ હાલતને કારણે ફક્ત ૧૬ કિમીનું આ અંતર પાર કરવું પણ લાંબી મુસાફરી જેવું થાકદાયક અને પીડાદાયક બની જાય છે. યાત્રાળુઓએ જણાવ્યું કે, ધાર્મિક પ્રવાસ પછી શરીર દુઃખી જાય છે અને મનમાં અશાંતિ રહે છે.
આ માર્ગ દેવભૂમિ દ્વારકા તાલુકાના લગભગ ૧૫ જેટલા ગામડાઓને જોડે છે. એટલે કે માત્ર યાત્રાળુઓ જ નહીં, પરંતુ અહીં રહેતા હજારો લોકો માટે પણ આ માર્ગ ગંભીર મુશ્કેલી બની ગયો છે. ઇમરજન્સીના કિસ્સામાં ગર્ભવતી સ્ત્રીઓ કે ગંભીર દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સને પણ આ જ ઉબડખાબડ રસ્તા પરથી પસાર થવું પડે છે. ઘણા કિસ્સામાં દર્દીઓને હોસ્પિટલ પહોંચવામાં વિલંબ થતો હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે.
વિકાસકાર્યો વચ્ચે પ્રશ્ન: દ્વારકા-નાગેશ્વર માર્ગ કેમ બાકી? – Dwarka Nageshwar
છેલ્લાં કેટલાક વર્ષોમાં દેવભૂમિ દ્વારકામાં કરોડો રૂપિયાના વિકાસકાર્યો હાથ ધરાયા છે. યાત્રાધામોને આધુનિક બનાવવાની યોજનાઓ પર પણ સરકારોએ ધ્યાન આપ્યું છે. આ માર્ગનું સમારકામ માર્ગ અને મકાન વિભાગ (R&B) હેઠળ આવે છે. છતાં, દ્વારકા-નાગેશ્વર જેવા મહત્વના યાત્રામાર્ગની હાલત સુધારવામાં વિલંબ થતો હોવાને કારણે લોકોમાં ચર્ચા ઉઠી છે કે આ માર્ગને કેમ અવગણવામાં આવ્યો છે?
સ્થાનિકો કહે છે કે દરરોજ હજારો યાત્રાળુઓ આ રસ્તે અવાર-જવર કરે છે. જો આ માર્ગની તાત્કાલિક મરામત કરવામાં આવે તો યાત્રાળુઓને રાહત મળશે અને દ્વારકા યાત્રાધામની પ્રતિષ્ઠા પણ વધશે.
આ પણ વાંચો: Dwarka News: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના આગમન પૂર્વે દેવભૂમિ દ્વારકામાં ચુસ્ત સુરક્ષા, તૈયારીઓને આખરી ઓપ
નાગેશ્વરના લોકોની અપેક્ષા, જલદી સુધારાય માર્ગ
દેવભૂમિ દ્વારકા જિલ્લાનું નાગેશ્વર ધામ દેશના બાર જ્યોતિર્લિંગમાં સ્થાન ધરાવે છે. અહીં આવતા યાત્રાળુઓ માટે સલામત અને સગવડભર્યો માર્ગ અતિ આવશ્યક છે. સ્થાનિકો આશા વ્યક્ત કરી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક પગલાં લઈ માર્ગનું સમારકામ શરૂ કરશે, જેથી આવનારી દિવાળીના તહેવાર અને શિયાળુ યાત્રા સીઝન દરમિયાન લાખો યાત્રાળુઓને સુરક્ષિત મુસાફરીની રાહત મળી શકે.