Rashtrapati Murmu Visit Dwarka: દેવભૂમિ દ્વારકામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની આવનારી મુલાકાતને લઈ સમગ્ર વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. આવતા શનિવારે રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને, જિલ્લા કલેકટરથી લઈને પોલીસ વિભાગ, નગરપાલિકા, ફાયર વિભાગ સહિત સમગ્ર તંત્રો દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે.
ગુરુવારે સવારે સફળ રીહર્સલ યોજાયું, જેમાં વહીવટી તંત્રના અધિકારીઓએ રૂટ પરની વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરી. દ્વારકાના રૂક્ષ્મણી મંદિર નજીકના હેલીપેડથી જગતમંદિર સુધીના માર્ગ પર ચપ્પે ચપ્પે પોલીસ તહેનાત કરાઈ છે. બસ સ્ટેશન રોડ, રબારી ગેટ, હોસ્પીટલ રોડ, સર્કિટ હાઉસ, ઈસ્કોન ગેટ, સનાતન સેવા મંડળ અને હાથી ગેટ જેવા મુખ્ય સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
વધુમાં, જગતમંદિરમાં રાષ્ટ્રપતિના આગમનને લઈ પૂજારીઓ દ્વારા વિશેષ શણગારની તૈયારી શરૂ કરવામાં આવી છે. યાત્રાધામની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નગરપાલિકાએ સઘન સફાઈ અભિયાન હાથ ધર્યું છે, જ્યારે માર્ગોના નવીનીકરણ અને ફાયર સેફટી જેવી જરૂરી સુવિધાઓને પણ સુધારવામાં આવી છે.
આ પણ વાંચો: Dwarka Roads Repair: રાષ્ટ્રપતિ મુર્મૂ દ્વારકા આવે એ પહેલાં તંત્રએ કેવો જાદુ કર્યો?
અધિકારીઓએ જણાવ્યું કે રાષ્ટ્રપતિના આગમન દરમિયાન સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે તમામ વિભાગો વચ્ચે સંકલન સાથે કામગીરી હાથ ધરાઈ રહી છે. દ્વારકાની યાત્રાધામ છબી વધુ ઉજળી બને તે દિશામાં સ્થાનિક તંત્રો દ્વારા સતત પ્રયાસો ચાલુ છે.